માનવ અધિકાર અને કાયદાકીય જાગૃતિના હેતુથી જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના એલ.એલ.એમ. સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસના ભાગરૂપે સમાજમાં કાયદા અને માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી તા. 16 ઑક્ટોબર, 2026ના રોજ શ્રી જે. એચ. ભાલોડિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાજકોટ ખાતે જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં કાયદાકીય જાગૃતિ વધારવાનો તથા વર્તમાન સમયમાં મહત્વ ધરાવતા કાનૂની અને સામાજિક મુદ્દાઓ અંગે લોકોને માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર રજૂઆતો કરીને કાયદા અને માનવ અધિકારોના વ્યવહારુ મહત્ત્વને ઉજાગર કર્યું હતું.
કાર્યક્રમમાં ચાવડા રવિ દ્વારા એન્કરિંગ કરવામાં આવ્યું હતું. બાબરિયા પાયલ દ્વારા ટકાઉ વિકાસ અને માનવ અધિકાર, દેસાઈ રોનક દ્વારા મૃત વ્યક્તિના ડિજિટલ અધિકારો, ગણાત્રા રિદ્ધિ દ્વારા કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અધિનિયમ (POSH Act) તથા પંડ્યા વૈશાલી દ્વારા ડીપફેક અને તેનાથી ઊભા થતા કાનૂની પડકારો જેવા વિષયો પર રજૂઆતો કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભવન વતી ચિંતનકુમાર શકોરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની રજૂઆતોને પ્રોત્સાહિત કર્યા હતા તથા શૈક્ષણિક જ્ઞાનને સમાજના હિતમાં ઉપયોગી બનાવવા માટે આવા કાર્યક્રમોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયા તથા ભવનના તમામ શૈક્ષણિક કર્મચારીઓ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે. ભવનનો મુખ્ય અભિગમ વિદ્યાર્થીઓમાં કાયદાકીય જ્ઞાન, માનવ અધિકારો પ્રત્યેની સમજ, સામાજિક જવાબદારી અને વ્યવહારુ કૌશલ્યોનો વિકાસ કરવાનો છે.
આ પ્રકારના જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક જ્ઞાનનો સમાજમાં ઉપયોગ કરવાની તક મળે છે, તેમજ સમાજમાં કાયદા અને માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં પણ યોગદાન આપી શકાય છે.